દેવાધિદેવ મહાદેવ એટલે સમગ્ર વિશ્વના ઉદ્ધારક. ઓમકારના ઉચ્ચારથી જીવને સુખ-શાંતિ મળે છે. લલાટે ચંદ્રમા, જટામાં ગંગા અને ગળામાં સર્પ ધારણ કરી સમગ્ર વિશ્વનો નાશ કરવાની શક્તિ ધરાવતું હલાહલ પચાવનારા નીલકંઠને રીઝવવાનો સુવર્ણ અવસર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનામાં સંસારના સમગ્ર જીવોનું કલ્યાણ કરનારા સદાશિવનો મહિમા અપાર છે.
ભારતભરમાં શિવાલયો આવેલાં છે, જ્યાં પોતપોતાની કેટલીક વિશેષતાઓ હોય છે. આવું જ એક શિવાલય ગુજરાતના વડોદરા નજીક મહી નદીના સંગમસ્થાને આવેલું છે. જેને સ્તંભેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. ખંભાતના અખાતમાં આવેલા પ્રાચીન પવિત્ર તીર્થને લોકો ગુપ્તેશ્વર અને ઈચ્છેશ્વર પણ કહે છે. શિવ પુત્ર ર્કાિતકેય સ્વામીએ સ્થાપેલા આ તીર્થને પ્રાચીન ગ્રંથોમાં સ્તંભેશ્વર મહાદેવનું નામ આપવામાં આવ્યું છે. જે શિવલિંગની અમાસ અને પૂનમના દિવસે ભાવપૂર્વક પૂજા કરવામાં આવે છે. તેના ફળસ્વરૂપ ભક્તનાં સર્વ પાપો દૂર થાય છે અને રુદ્રલોકમાં પૂજાય છે. આવો મહિમા ધરાવનાર આઠ નદીઓના આ અલૌકિક સ્થળે શિવની અદ્ભુત અનુભૂતિ થાય છે.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી-કંબોઈ ગામ પાસે આવેલા દરિયામાં મહી નદી, નર્મદાની પેટા શાખાઓ સહિત આઠ નદીઓનો સંગમ થાય છે. ત્યાં દરિયામાં બિરાજતા મહાદેવનો દરરોજ બે વખત દરિયાલાલ અભિષેક કરે છે. પૌરાણિક કથા પ્રમાણે કુમાર સ્કંદે તારકાસુરનો વધ કરી શિવભક્તને હણવાનો પશ્ચાત્તાપ દૂર કરવા શિવલિંગની સ્થાપના કરી હતી.
આ શિવલિંગ કુમાર સ્કંદને બ્રહ્માજીએ આપ્યું હોવાનો ઉલ્લેખ છે. પૃથ્વી પર હાહાકાર ફેલાવનાર તારકાસુરને કુમાર સ્કંદે હણ્યો તેની ખુશાલીમાં ઇન્દ્ર વગેરે દેવોએ સુશોભિત સોનાનો સ્તંભ આપ્યો હતો અને તેથી આ સ્થળને સ્તંભેશ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું છે.
આ સ્થળે પિતૃતર્પણ અને શ્રાદ્ધ કરનારને ગયા સ્થળે કરેલા શ્રાદ્ધના જેટલું જ પુણ્ય મળે છે અને દરિયામાં ડૂબકી લગાડનારને દસ વખત ગંગાસ્નાનનું પુણ્ય મળશે એવી આશિષ કુમાર સ્કંદને શિવે આપી હતી. સ્વયં બ્રહ્માજીએ આ તીર્થને સર્વ તીર્થોમાં શ્રેષ્ઠ ગણાવ્યું છે.
મહીસાગર સંગમ તીર્થ ખાતે શનિવારની અમાસે એક વાર યાત્રા કરનારને પ્રભાસની દસ વખતની, પુષ્કરની સાત અને પ્રયાગની આઠ વખતની યાત્રાનું ફળ મળશે એવી આશિષ ધર્મ દેવે આપી છે. સ્કંદ પુરાણમાં આ તીર્થનો વિસ્તૃત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. માત્ર બીલીપત્રથી પણ રાજી થનારા શિવ શંભુ અહીં આવી પ્રાર્થના કરનાર દરેકની ઇચ્છા પૂર્ણ કરે છે. ભરતી આવે ત્યારે દરિયામાં સમાઈ જતા શિવલિંગને નિહાળવું તેમજ ઓટ આવે ત્યારે ધીરે ધીરે શિવલિંગ પ્રગટ થાય તે દૃશ્ય અનોખું છે. આસપાસના કાળમીંઢ પથ્થરો પણ દરિયા દેવની ખારાઈથી ઘસાઈ જાય છે, પરંતુ શિવલિંગનો પ્રભાવ ને તેજ ઉત્તરોત્તર વધી રહ્યો છે.
સમગ્ર દેશમાં આઠ નદીઓ અને દરિયાદેવથી અભિષેક થતા એકમાત્ર સ્થળે શ્રાવણ માસ અને મહાશિવરાત્રીએ જ નહીં, પરંતુ દર અમાસે ભક્તો મોટી સંખ્યામાં ઊમટી પડે છે.

No comments:
Post a Comment