શિવજી થોડી પૂજા-અર્ચના કરતાં પ્રસન્ન થાય છે. ભગવાન શિવજીનો મહામૃત્યુંજય મંત્ર પૃથ્વીના દરેક પ્રાણીમાત્રને દીર્ઘાયુ, સમૃદ્ધિ, શાંતિ, સુખ પ્રદાન કરે છે અને ચિરકાળ સુધી કરતા રહેશે. માનવજાતિની ઉત્પત્તિ પણ ભગવાન શિવ દ્વારા જ માનવામાં આવે છે. આથી ભગવાન શિવના સ્વરૂપને જાણવું દરેક વ્યક્તિ માટે જરૂરી છે. તેમનું સ્વરૂપ અદ્ભુત છે.
જટાઓ : શિવને અંતરીક્ષના દેવતા કહેવામાં આવે છે. આથી આકાશ તેમની જટા સ્વરૂપ છે, જટાઓ વાયુમંડળની પ્રતીક છે.
ચંદ્ર : ચંદ્રમા મનના પ્રતીક છે શિવનું મન ભોળું, નિર્મળ, પવિત્ર અને સશક્ત છે, તેમનો વિવેક હંમેશાં જાગૃત રહે છે.
ત્રિનેત્ર : શિવનાં આ ત્રણ નેત્ર સત્ત્વ, રજ, તમ એમ ત્રણ ગુણો, ભૂત, વર્તમાન, ભવિષ્ય એમ ત્રણ કાળ તથા ત્રણ લોકો સ્વર્ગલોક, મૃત્યુલોક અને પાતાળલોકનું પ્રતીક છે.
સર્પ : ગળામાં સર્પનો હાર છે. સર્પ તમોગુણી તથા સંહારક વૃત્તિનો જીવ છે. જેને શિવે પોતાના આધીન રાખ્યો છે.
ત્રિશૂળ : શિવના હાથમાં એક મારક શસ્ત્ર છે. ત્રિશૂળ સૃષ્ટિના માનવીઓના ભૌતિક, દૈવિક, આધ્યાત્મિક એમ ત્રણે પ્રકારનાં પાપોને નષ્ટ કરે છે.
ડમરુ : શિવજીના એક હાથમાં ડમરુ છે. જેને તેઓ તાંડવ કરતી વખતે વગાડે છે. ડમરુનો નાદ બ્રહ્મરૂપ છે.
મુંડમાળા : શિવજીના ગળામાં મુંડમાળા છે, જે એ વાતની પ્રતીક છે કે શિવે મૃત્યુને વશમાં કરી રાખ્યું છે.
વ્યાઘ્રચર્મ : ભોળાનાથના શરીર પર વ્યાઘ્ર (વાઘ) ચર્મ છે, વાઘ હિંસા તથા અહંકારનો પ્રતીક માનવામાં આવે છે. તેનો અર્થ છે કે શિવજીએ હિંસા તથા અહંકારનું દમન કરીને પોતાની નીચે દબાવી દીધું છે.
ભસ્મ : ભસ્મનો લેપ દર્શાવે છે કે આ સંસાર નશ્વર છે અને શરીર નશ્વરતાનું પ્રતીક છે.
વૃષભ : ભગવાન આશુતોષનું વાહન વૃષભ (નંદી) છે. વૃષભનો અર્થ છે ધર્મ. મહાદેવ આ ચાર પગવાળા બળદની સવારી કરે છે. અર્થાત્ ધર્મ, અર્થ, કામ, મોક્ષ તેમના આધીન છે.

No comments:
Post a Comment