Thursday, 31 July 2014

મદિરા સમાન મોહનીય કર્મ (જૈન દર્શન)


જૈન દર્શનના તત્ત્વજ્ઞાાનના સંવાદમાં વેદનીય કર્મ અને મોહનીય કર્મનો પરિચય સાંપ્રત અધ્યાય દ્વારા કરીએ. અનંત જ્ઞાાન, દર્શન આદિ જેનાં મૂળ ગુણ છે એવો આપણો આત્મા કર્મબંધનના પ્રભાવે સંસારમાં પરિભ્રમણ કરે છે. કર્મના મુખ્ય આઠ ભેદમાં જે કર્મને મદિરાની ઉપમા આપવામાં આવી છે તેવા કર્મને મોહનીય કર્મ કહેવાય છે. મૂળ ગુણને આવરણ કરતું આ કર્મ આત્માને મૂંઝવે છે, મૂઢ કરે છે, મોહ પમાડે છે. મદિરાપાન કરનાર વ્યક્તિને સારાસારનો વિવેક હોતો નથી. કર્તવ્ય, અકર્તવ્યનો ભેદ તે સમજતો નથી, તેમ મોહનીય કર્મથી ત્રસ્ત થયેલો આત્મા પારર્માિથક હિતને પણ સમજતો નથી. જે વિષય આત્માનું અહિત કરે છે તેમાં તે શ્રદ્ધા કે રુચિ ધરાવે છે અને જે વિષય આત્માનું હિત કરે છે તેમાં અશ્રદ્ધા કે અરુચિ ધરાવે છે. અપેક્ષાએ આ એવા પ્રકારનું કર્મ છે જે આત્માને નિમ્ન કક્ષાએ પ્રભાવિત કરે છે.
આ મોહનીય કર્મના બે ઉત્તર ભેદ છે. દર્શન મોહનીય કર્મ અને ચારિત્ર મોહનીય કર્મ. દર્શનનો સામાન્ય અર્થ એટલે વિશ્વાસ, શ્રદ્ધા, રુચિ. જીવ, અજીવ, પાપ, પુણ્ય આદિ જે તત્ત્વો છે તેમાં શ્રદ્ધા રાખવી કે રુચિ કરવી એટલે દર્શન અને મૂઢ, ભ્રમિત બની જે તે તત્ત્વોમાં અશ્રદ્ધા થાય ત્યારે દર્શન મોહનીય કર્મનો ઉદય છે તેવો ખ્યાલ આવે છે.
જૈન દર્શને અઢાર પ્રકારનાં પાપસ્થાનકો દર્શાવ્યાં છે. હિંસા, અસત્ય, ચોરી, આદિ તે અઢાર પ્રકારના દૂરાચારનો ત્યાગ અને તે પ્રકારના અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, આદિનો સ્વીકાર એટલે ચારિત્ર. ગૃહસ્થ ધર્મમાં ચારિત્ર આંશિકપણે હોય છે અને સાધુ ધર્મમાં પૂર્ણપણે હોય છે. આવા ચારિત્રનો સ્વીકાર ન કરવા દે અથવા તેના સ્વીકારવામાં અવરોધ કરે તે કર્મ એટલે ચારિત્ર મોહનીય કર્મ. સંક્ષિપ્તમાં સમજીએ તો વિચારોને મલિન અથવા મિથ્યા કરે તે દર્શનીય મોહનીય કર્મ અને આચારને મલિન કરે તે ચારિત્ર મોહનીય કર્મ કહેવાય.
પૂર્વ અધ્યાય દ્વારા વિદિત કર્યું હતું કે જ્ઞાાન હોવું એ આવશ્યક છે, પરંતુ તે જ્ઞાાન સમ્યક અને સાચું હોવું એ વધુ આવશ્યક છે. જ્ઞાાન મિથ્યા હશે, સાચી દિશા અને વિવેકસભર નહીં હોય તો ચોક્કસપણે અહિત કરશે. આ વાતને એક દૃષ્ટાંત દ્વારા સમજવા પ્રયાસ કરીએ. સુરતથી મુંબઈ જવા માટે એક વ્યક્તિને રૂપિયા ૧૫૦ના મૂલ્યની આવશ્યકતા છે અને તે તેની પાસે છે. આ આવશ્યક મૂલ્ય ચૂકવી જો તે મુંબઈ તરફ ગતિ કરતા વાહનનો ઉપયોગ કરશે તો અવશ્ય મુંબઈ તેણે નક્કી કરેલા ગંતવ્ય સ્થાને પહોંચશે, પરંતુ આ રૂપિયા ૧૫૦નું મૂલ્ય ચૂકવી તે અમદાવાદ પ્રતિ ગતિ કરતા વાહનનો ઉપયોગ કરશે તો મૂલ્યનો વ્યય થવા છતાં તે તેના ગંતવ્ય સ્થાન મુંબઈ પહોંચી શકશે નહીં. આ તે વ્યક્તિનો મિથ્યા પ્રયાસ હશે અને તે તેને તેના ગંતવ્ય સ્થાનની વધુ દૂર મૂકશે. જો તેની પાસે રૂપિયા ૧૦૦ હશે તો તે મૂલ્ય ચૂકવી તે તેના ગંતવ્ય સ્થાન મુંબઈ તો નહીં જ પહોંચે, પરંતુ સાચી દિશા, મુંબઈ પ્રતિ ગતિ કરતા વાહનમાં બેસશે તો મુંબઈ સમીપ તો અવશ્ય પહોંચશે. દર્શનને સમજવા માટેનું આ સુંદર દૃષ્ટાંત છે.
તત્ત્વને સમજવા માટેનું આવશ્યક જ્ઞાાન અલ્પ હશે તો તત્ત્વને સંપૂર્ણપણે નહીં સમજી શકાય, પરંતુ તે સમ્યક જ્ઞાાન હશે તો તત્ત્વનો આછેરો પરિચય પણ સાચો કરાવશે. આ અલ્પ જ્ઞાાન ક્ષમાપાત્ર બની શકે છે, પરંતુ વિશેષ જ્ઞાાન સમ્યક સાચું નહીં હોય તો ક્ષમાપાત્ર નથી. અલ્પ પણ સમ્યક જ્ઞાાન લક્ષ્યની પ્રાપ્તિ ક્યારેક તો કરાવશે. અમાપ જ્ઞાાન જો મિથ્યા હશે તો પરિભ્રમણનો અંત નહીં આવે. આથી સિદ્ધ થાય છે કે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે જ્ઞાાન, સમ્યક દર્શન અને શ્રદ્ધા આવશ્યક છે. આપણા આ ગુણનો દર્શન મોહનીય કર્મ અવરોધ કરે છે. આ દર્શન મોહનીય કર્મના ત્રણ ઉત્તર ભેદ છે. સમ્યકત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય કર્મ. દૃષ્ટાંત દ્વારા આ વાતને સમજીએ.
ડાંગરને ફોતરાંથી મુક્ત કરવી હોય તો તેને ખાંડણીમાં રાખી ખાંડવી આવશ્યક છે. ખાંડવાના કારણે ડાંગર ફોતરાંથી મુક્ત થવા લાગશે. ખાંડવાના આ પુરુષાર્થથી કેટલીક ડાંગર ફોતરાંથી લગભગ મુક્ત થશે. કેટલીક ડાંગર અર્ધ સ્વરૂપે ફોતરાંથી મુક્ત થશે, જ્યારે કેટલીક ડાંગર ફોતરાંથી મુક્ત થશે જ નહીં. આ પ્રક્રિયાનું મૂલ્યાંકન આ પ્રમાણે કરી શકાય કે સફળ, અર્ધ સફળ, નિષ્ફળ. તત્ત્વને સમ્યક પ્રમાણે સમજવા માટેના અવરોધનું પણ એટલે કે દર્શન મોહનીય કર્મનું મૂલ્યાંકન આ પ્રમાણે કરીએ. પ્રથમ પ્રકાર એ સમ્યકત્વ મોહનીય છે. આ ભેદ એટલે ઉપરોક્ત ડાંગરનાં ફોતરાંથી લગભગ મુક્ત થયેલો વિભાગ, જે અર્ધ અથવા પૂર્ણપણે ફોતરાંથી યુક્ત વિભાગથી વધુ સફળ છે. તે પ્રમાણે સમ્યકત્વ મોહનીય વિભાગ એ મિશ્ર અને મિથ્યાત્વ મોહનીય કર્મના પરિપ્રેક્ષ્યમાં વધુ શુદ્ધ છે. સત્યને સમજવા માટેનો અવરોધ અતિ અલ્પ પ્રમાણમાં પણ હોવાથી આત્માના ગુણનો હ્રાસ તો કરે જ છે. જે ડાંગર ફોતરાંથી લગભગ પૂર્ણપણે મુક્ત થઈ છે તેના જેવો આ સમ્યકત્વ મોહનીય કર્મનો વિભાગ છે. દ્વિતીય ભેદ એટલે મિશ્ર મોહનીય કર્મ. તે ઉપરોક્ત સમ્યકત્વ મોહનીય કર્મના પરિપ્રેક્ષ્યમાં વધુ અશુદ્ધ છે, પરંતુ મિથ્યાત્વ મોહનીય કર્મના પ્રરિપ્રેક્ષ્યમાં વધુ શુદ્ધ છે. અર્ધ ફોતરાંવાળી ડાંગરના જેવું તેનું સ્વરૂપ છે. આ કર્મના ઉદયથી આત્માને તત્ત્વમાં રુચિ નથી થતી અને અરુચિ પણ નથી થતી. ત્રીજો વિભાગ એટલે મિથ્યાત્વ મોહનીય કર્મ. આ વિભાગ એટલે તત્ત્વમાં સંપૂર્ણ અશ્રદ્ધા અને અરુચિ. આ વિભાગ પૂર્ણપણે અશુદ્ધ છે. આ કર્મના ઉદયથી આત્માને સાચી સમજ આપશે જ નહીં અને તે ભ્રમિત થઈને પરિભ્રમણ કર્યા કરશે.
ડાંગર અલ્પ મૂલ્યની હશે તોપણ ફોતરાંથી લગભગ મુક્ત હશે તો આહારપાત્ર બની શકશે. ડાંગરનું મૂલ્ય પણ ઓછું હશે અને ફોતરાંથી યુક્ત હશે તો આહારપાત્ર નહીં બની શકે. ડાંગર મૂલ્યવાન હશે, પણ સંપૂર્ણપણે ફોતરાંથી યુક્ત હશે તો આહારપાત્ર નહીં જ બની શકે. જ્ઞાાન, શ્રદ્ધા, રુચિનો આ સંબંધ આપણે શુદ્ધ, સનાતન, શાશ્વત બનાવવાનો છે એ આ અધ્યાયનો સંદેશ છે.

No comments:

Post a Comment