Thursday, 31 July 2014

સોમવારનું વ્રત કેવી રીતે કરાય?






સોમવાર વ્રતની કથા
એક નગરમાં બહુ ધનવાન શેઠ રહેતા હતા. તેમને ધનની કોઈ કમી નહોતી, પરંતુ તેમને એક વાતનું દુઃખ હતું. તેમને કોઈ સંતાન નહોતું. દિવસ-રાત તેમને આ જ ચિંતા સતાવતી. તે પુત્ર કામના માટે સોમવારના દિવસે શિવજીનું વ્રત અને પૂજન કરતા હતા. તેમના આ ભક્તિભાવને જોઈને એક વાર માતા પાર્વતીજીએ શિવજીને કહ્યું, "પ્રભુ, આ શેઠ તમારો અનન્ય ભક્ત છે અને હંમેશાં તમારું વ્રત અને પૂજન શ્રદ્ધાપૂર્વક કરે છે. તેની મનોકામના પૂરી કરવી જોઈએ."
શિવજીએ કહ્યું, "હે પાર્વતી, તેને કોઈ પુત્ર નથી આ જ ચિંતામાં તે ખૂબ જ દુઃખી રહે છે. તેના ભાગ્યમાં પુત્ર ન હોવા છતાં પણ હું તેને પુત્રપ્રાપ્તિનું વરદાન આપું છું, પરંતુ આ પુત્ર માત્ર ૧૨ વર્ષ સુધી જ જીવતો રહેશે. ત્યારબાદ તે મૃત્યુ પામશે. આનાથી વધારે હું તેના માટે કંઈ ન કરી શકું."
આ બધી વાતો શેઠ સાંભળી રહ્યો હતો. તેનાથી તેને પ્રસન્નતા ન થઈ અને દુઃખ પણ ન થયું. તે પહેલાંની જેમ જ શિવજીનું વ્રત અને પૂજન કરતો રહ્યો. થોડો સમય વીત્યા પછી શેઠની પત્ની ગર્ભવતી થઈ અને દસમા મહિને તેણે સુંદર પુત્રને જન્મ આપ્યો. શેઠના ઘરમાં ખુશીઓ મનાવવામાં આવી, પરંતુ શેઠે તેનું આયુષ્ય બાર વર્ષનું છે તેમ જાણીને પ્રસન્નતા પ્રગટ ન કરી અને કોઈને ભેદ પણ ન જણાવ્યો. જ્યારે આ પુત્ર અગિયાર વર્ષનો થઈ ગયો ત્યારે શેઠની પત્નીએ તેના વિવાહ કરવા જણાવ્યું, ત્યારે શેઠે કહ્યું કે, "હું હમણાં તેના વિવાહ નહીં કરું. પુત્રને કાશીમાં ભણવા મોકલીશ." પછી શેઠે પોતાના પુત્રના મામાને બોલાવ્યો. તેમને ખૂબ ધન આપ્યું અને કહ્યું, "તમે મારા પુત્રને કાશી ભણવા માટે લઈ જાઓ અને રસ્તામાં જે સ્થાન પર રોકાઓ ત્યાં યજ્ઞા કરીને બ્રાહ્મણોને ભોજન કરાવતા જાઓ."
મામા-ભાણેજ રસ્તામાં યજ્ઞા કરાવતા અને બ્રાહ્મણોને જમાડતા. રસ્તામાં એક શહેર આવ્યું. તે શહેરમાં રાજાની કન્યાના વિવાહ હતા અને બીજા રાજાનો પુત્ર જે વિવાહ માટે જાન લઈને આવ્યો હતો તે એક આંખે અંધ હતો. તેના પિતાને એ વાતની બહુ ચિંતા હતી કે વરને જોઈને કન્યાનાં માતા-પિતા વિવાહ રોકી ન દે. જ્યારે તેમણે શેઠના પુત્રને જોયો તો મનમાં વિચાર કર્યો કે, દરવાજામાં પ્રવેશ સમયે આ છોકરાથી કામ ચલાવી લઈએ. આવો વિચાર કરીને વરના પિતાએ તે છોકરાના મામાને બધી જ વાત કરી. તેઓ રાજી થઈ ગયા. શેઠના છોકરાને વરનાં કપડાં પહેરાવીને ઘોડી પર બેસાડીને દરવાજે લઈ ગયા. વિવાહ પૂર્વેનાં બધાં જ કાર્યો સુખરૂપ સંપન્ન થઈ ગયાં. પછી વરના પિતાએ વિચાર્યું કે જો વિવાહકાર્ય પણ આ છોકરા દ્વારા પૂરું કરી દેવામાં આવે તો તેમાં શું ખોટું છે? આવું વિચારીને તેમણે છોકરા અને મામાને કહ્યું, "જો તમે ફેરા અને કન્યાદાનના કામને કરાવી દો તો તમારી બહુ કૃપા થશે અને હું આ કામના બદલામાં બહુ ધન આપીશ." તેમણે વાતને સ્વીકારી લીધી અને વિવાહ સારી રીતે સંપન્ન થઈ ગયા. છોકરો અને મામા જાય તે પહેલાં તેણે રાજકુમારીની ચૂંદડી પર લખી દીધું કે, "તારા વિવાહ મારી સાથે થયા છે, પરંતુ જે રાજકુમાર સાથે તને મોકલવામાં આવશે તે એક આંખથી અંધ છે અને હું કાશી ભણવા જઈ રહ્યો છું." છોકરાના ગયા પછી રાજકુમારીએ ચૂંદડી પર આ લખેલું જોયું ત્યારે તેણે રાજકુમાર સાથે જવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે, "આ મારો પતિ નથી. મારા વિવાહ તેની સાથે નથી થયા. મારા વિવાહ જેની સાથે થયા છે તે કાશી ભણવા ગયો છે." રાજકુમારીને તેનાં માતા-પિતાએ વિદાય ન કરી.
બીજી તરફ શેઠનો દીકરો અને મામા કાશી પહોંચી ગયા. ત્યાં જઈને તેમણે યજ્ઞા કરવાનું અને છોકરાને ભણવાનું શરૂ કર્યું. જ્યારે છોકરાનું આયુષ્ય બાર વર્ષનું થયું તે દિવસે પણ યજ્ઞા ચાલુ રાખ્યો. છોકરાએ પોતાના મામાને કહ્યું, "મામાજી, આજે મારી તબિયત ઠીક નથી લાગતી." ત્યારે મામાએ કહ્યું, "અંદર જઈને સૂઈ જા." છોકરો કુટીરમાં જઈને સૂઈ ગયો અને થોડી જ વારમાં તેનું પ્રાણપંખેરું ઊડી ગયું. જ્યારે અંદર આવીને મામાએ જોયું તો ભાણેજ મૃત્યુ પામ્યો હતો. મામાને બહુ દુઃખ થયું. તેમણે વિચાર્યું કે જો હું અત્યારે રડવાનું શરૂ કરીશ તો યજ્ઞાનું કાર્ય અધૂરું રહેશે, તેથી તેમણે જલદીથી યજ્ઞાનું કાર્ય પૂરું કર્યું. સંયોગવશ તે સમયે શિવ-પાર્વતીજી ત્યાંથી પસાર થઈ રહ્યાં હતાં. તેમણે જોર-જોરથી રડવાનો અવાજ સાંભળ્યો તો પાર્વતીજીએ કહ્યું, "પ્રભુ, કોઈ દુઃખી થઈને રડી રહ્યું છે. તેનાં દુઃખ દૂર કરો." પાર્વતીજીએ નજીક જઈને જોયું તો ત્યાં એક છોકરો મૃત્યુ પામ્યો હતો. પાર્વતીજીએ કહ્યું, "પ્રભુ, આ તો એ શેઠનો જ પુત્ર છે જે તમારા વરદાનથી થયો છે. તેને જીવિત કરો અને આયુષ્ય આપો, નહીંતર તેનાં માતા-પિતા પણ દુઃખમાં મૃત્યુ પામશે." પાર્વતીજીના આગ્રહ પર શિવજીએ તેને વરદાન આપ્યું અને શેઠના પુત્રને જીવિત કર્યો.
તે દિવસ પછી મામા-ભાણેજ યજ્ઞા કરતા અને બ્રાહ્મણોને ભોજન કરાવતાં કરાવતાં ઘરે પાછા આવવા નીકળ્યા. રસ્તામાં એ શહેર આવ્યું જ્યાં તેના વિવાહ થયા હતા. ત્યાં આવીને તેમણે યજ્ઞાની શરૂઆત કરી. છોકરાના સસરાએ તેને ઓળખી લીધો. પોતાના મહેલમાં લઈ જઈને તેની આગતા-સ્વાગતા કરી અને દાસ-દાસીઓ સહિત આદરપૂર્વક દીકરી-જમાઈને વિદાય આપી. જ્યારે તેઓ પોતાના શહેરની નજીક આવ્યાં ત્યારે મામાએ કહ્યું, "હું પહેલાં ઘરે જઈને તમારા આવવાની ખબર આપું છું." જ્યારે મામા ઘરે પહોંચ્યા ત્યારે છોકરાનાં માતા-પિતા છત પર બેઠાં હતાં. તેમણે પ્રણ લઈ રાખ્યું હતું કે જ્યાં સુધી અમારો પુત્ર સકુશળ પાછો નહીં આવે ત્યાં સુધી અમે છત પરથી નીચે નહીં ઊતરીએ. છત પરથી કૂદીને પોતાના પ્રાણ આપી દઈશું. જ્યારે મામાએ સમાચાર આપ્યા કે તમારો પુત્ર પાછો આવ્યો છે ત્યારે માતા-પિતાને વિશ્વાસ ન આવ્યો. મામાએ ફરીથી કહ્યું કે, "તમારો પુત્ર તેની પત્ની અને બહુ બધું ધન સાથે લઈને આવ્યો છે." ત્યારબાદ શેઠે પોતાના પુત્રનું સ્વાગત કર્યું. આખોય પરિવાર પ્રસન્નતાપૂર્વક રહેવા લાગ્યો. આ રીતે જે પણ વ્યક્તિ સોમવારનું વ્રત કરે છે અથવા આ કથા વાંચે કે સાંભળે છે તેની સમસ્ત મનોકામનાઓ પૂરી થાય

No comments:

Post a Comment