પાંડવોએ મહાભારતનું યુદ્ધ જીત્યા બાદ હસ્તિનાપુરનું રાજ્ય સંભાળ્યું, ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણ સ્વધામ ગયા. ભગવાન શ્રીકૃષ્ણના સ્વધામ ગમનના સમાચાર સાંભળી પાંડવો આકુળવ્યાકુળ થયા અને રાજા પરીક્ષિતને શાસન આપી હિમાલય તરફ ગયા. ત્યાં તેઓની બુદ્ધિ શુદ્ધ થઈ અને વિશુદ્ધ અંતઃકરણથી સ્વયમેવ તે ગતિ પ્રાપ્ત કરી લીધી. ત્યારબાદ પૃથ્વી પર અભિમન્યુસુત મહારાજ પરીક્ષિત રાજ કરવા લાગ્યા. જ્યાં સુધી રાજા પરીક્ષિત સમ્રાટ રહ્યા ત્યાં સુધી ચારે તરફ કળિયુગનો પ્રભાવ હોવા છતાં કળિયુગ પ્રભાવહીન હતો.
કળિયુગે વિચાર્યું કે ધર્મનું ભલે સંસ્થાપન થયું, પરંતુ પોતે બહુ પ્રસન્ન છે. રાજાએ તેને રહેવા માટે પાંચ સ્થાન આપ્યાં છે. ચિંતા નહીં આ પાંચમાંથી કોઈ એકાદ દ્વારા હું પરીક્ષિતના ઘરમાં પેસી જઈશ.
કલિ દુષ્ટ હોવા છતાં, લાખો અપલક્ષણો હોવા છતાં રાજાએ તેને એ ભાવથી નથી માર્યો કે તેનું ઉત્તમ લક્ષણ એક જ છે. તે છે કેવળ પ્રભુનામ સંકીર્તન. જે વ્યક્તિ પ્રભુનામ સંકીર્તન કરે તેને પરમ પદની પ્રાપ્તિ સરળતાથી થાય છે.
આજ કલિના પ્રભાવથી રાજાને શાપનો સામનો કરવો પડયો. ભીમે જરાસંધનો વધ કરી તેનો મુકુટ જે રત્નજડિત હતો તે મહારાજ યુધિષ્ઠિરનાં ચરણોમાં ધરી દીધો. સાક્ષાત્ ધર્મના અવતાર યુધિષ્ઠિરે કહ્યું, "ભીમ, આ મુકુટ પર આપણો અધિકાર નથી. આના પર અધિકાર જરાસંધપુત્ર સહદેવનો છે. તેનો જાણે અજાણે ઉપયોગ ન થાય તેના માટે મુકુટને પેટીમાં મૂકી દીધો.
એક દિવસ રાજા પરીક્ષિતને ચેષ્ટા થઈ, લાવ જોઉં તો ખરા મારા દાદાઓએ રાજકોષમાં શું ભરી રાખ્યું છે? રાજકોષમાં તપાસ કરતાં પેટીમાંથી રત્નજડિત મુકુટ મળ્યો. તેના તેજથી આકર્ષાઈ વગર વિચાર્યે તે મુકુટ રાજા પરીક્ષિતે પોતાના મસ્તક ઉપર મૂક્યો.
અધર્મથી મેળવેલ સુવર્ણ એ તો પરીક્ષિતે પોતે કલિને રહેવા માટે આપેલું એક સ્થાન છે. તે મુકુટ એ સુવર્ણ હતો. રાજા પરીક્ષિતે માથે મુકુટ મૂકતાંની સાથે જ કલિએ રાજાની બુદ્ધિમાં પ્રવેશ કર્યો. તેના પરિણામ સ્વરૂપ બુદ્ધિ સૂઝી કે આજે શિકાર ખેલવા જવું છે, માટે તે મુકુટ ધારણ કરી રાજા પરીક્ષિત શિકાર કરવા નીકળ્યા. રાજા પરીક્ષિતે દિવસ દરમિયાન અનેક જીવોની હિંસા કરી. શિકાર કરતાં કરતાં મધ્યાહ્ન થઈ ગયો. તેઓ ખોરાક-પાણીની શોધમાં નીકળ્યા. થોડેક દૂર તેમણે એક ઋષિનો આશ્રમ જોયો. રાજા તે આશ્રમમાં પ્રવેશ્યા. તે શમિતુ ઋષિનો આશ્રમ હતો. આ ઋષિ મહાન તપસ્વી હતા.
રાજા પરીક્ષિત આશ્રમમાં પ્રવેશ્યા ત્યારે ઋષિ સમાધિ લગાવી બેઠા હતા, તેથી તેમને દેહનું ભાન ન હતું. રાજાએ સમાધિસ્થ શમિક ઋષિ પાસે પાણી માગ્યું. રાજાની બુદ્ધિ કલિના પ્રભાવથી વધુ ભ્રષ્ટ થઈ. રાજાએ કહ્યું, "મારા જેવા રાજાનું સ્વાગત કરવું એ આપ તપસ્વીઓનો ધર્મ છે." રાજા પરીક્ષિતને લાગ્યું કે શમિક ઋષિએ મારી વાતનો જવાબ નહીં આપીને મારું અપમાન કર્યું છે. દુર્બુદ્ધિથી પ્રેરાયેલા રાજાએ અધર્મનું કૃત્ય કર્યું. તેમણે ચારે બાજુ જોયું. એક મરેલો સાપ ત્યાં પડેલો જોયો. પોતાના ધનુષ્યના છેડા વડે પરીક્ષિત રાજાએ તે સાપને ઊંચક્યો અને શમિક ઋષિના ગળામાં નાખ્યો. ઋષિને હજી પણ આ વાતની જાણ નથી.
શમિક ઋષિના પુત્ર શૃંગીને રાજાના આ અધર્મયુક્ત આચરણની ખબર પડી. તે બાળક હતો, પણ મહાન તેજસ્વી બ્રાહ્મણપુત્ર હતો. તેણે વિચાર્યું કે આ મનસ્વી રાજાને દંડ મળવો જ જોઈએ. તેમણે બ્રાહ્મણનું અપમાન કર્યું છે. ઋષિપુત્રએ અંજલિમાં જળ લીધું અને વાણીરૂપી વજ્ર છોડતાં કહ્યું, "આજથી બરાબર સાતમા દિવસે તે રાજાને તક્ષક નામનો નાગ કરડશે અને તેનાથી તેનું મૃત્યુ થશે."
ત્યારબાદ ઋષિપુત્ર આશ્રમમાં આવે છે. પોતાના પિતાના ગળામાં સાપ જોઈને અંત્યત દુઃખ વ્યક્ત કરે છે અને ગળું ફાડીને રુદન કરે છે. પોતાના પુત્રનું રડવું, કકળવું સાંભળી શમિક ઋષિએ આંખો ખોલી જોયું કે પોતાના ગળામાં સાપ છે. તે મરેલા સાપને દૂર નાખી પોતાના પુત્રને પૂછયું, "બેટા, તું શા માટે રડે છે?" શમિક ઋષિના પૂછવા પર બાળકે બધી જ વાત સવિસ્તાર કહી સંભળાવી.
બ્રર્હ્મિષ શમિક ઋષિએ રાજાને અપાયેલા શાપની વાત સાંભળીને તેને અભિનંદન ન આપ્યાં. ઋષિએ કહ્યું, "અરે મૂર્ખ બાળક, તેં ઘોર પાપ કર્યું. ખેદ છે, આટલી નાની વાત માટે આવડો મોટો દંડ ન અપાય." તેમણે કહ્યું, "રાજાના નહીં રહેવાથી પૃથ્વી પર અત્યાચાર વધશે. પશુઓ, સ્ત્રીઓ અને ધર્મનું રક્ષણ કોણ કરશે? સમ્રાટ પરીક્ષિત તો અત્યંત યશસ્વી અને ધર્મપાલક છે. તેમણે ઘણા બધા અશ્વમેધ યજ્ઞાો કર્યા છે. તેઓ ભગવાનના પરમ ભક્ત છે, તેથી આપણે ઋષિ થઈ આ પ્રકારે બદલો ન લેવો જોઈએ."
મહામુનિ શમિક ઋષિને ઘણો પશ્ચાત્તાપ થયો, પણ 'બ્રહ્મવાક્ય જનાર્દનમ્'. ઋષિના પશ્ચાત્તાપ પાછળનું મુખ્ય કારણ છે કે, મહાત્માઓ સ્વભાવે નિર્મોહી હોય છે. તેઓ હંમેશાં માનવ કલ્યાણની જ વાત કરે છે.

No comments:
Post a Comment