વાંકાનેરથી 10 કિ.મી. દૂર વડસરના તળાવથી આગળ આવેલા ડુંગરાઓ (રતન ટેકરી) ની ટોચ ઉપર સૌરાષ્ટ્રનુ સુપ્રસિદ્ધ યાત્રાધામ સ્વયંભૂ જડેશ્વર મહાદેવનું મંદિર છે. તેનો આકાર પાંડવોના રથ જેવો છે.
આજુબાજુમાં જંગલ વિસ્તાર છે.સારો વરસાદ થઈ જતા આ ડુંગરાઓ પર ઘાસ ઊગવાને કારણે લીલાંછમ બન્યા છે,જેના કારણે નયન- રમ્ય દ્દશ્ય જોવા મળે છે, ભારે કુદરતી વાતાવરણ સર્જાયું છે.
જડેશ્વર પહોંચતા પહેલાં વાંકાનેર રાજવીએ બનાવેલું વડસર તળાવ આવે છે. આ તળાવ ડુંગરોની વચ્ચે આવેલ છે તેથી તેને કુદરતી તળાવ ગણાવી શકાય તેવું છે. આ તળાવ પાસે ઘણાં ફિલ્મ શૂટિંગ પણ થયાં છે.આ તળાવથી થોડે જ દૂર ડુંગરાઓ પર શ્રી જડેશ્વર દાદાનું મંદિર આવેલું છે.દર શ્રાવણ માસના બીજા સોમવારે અહીં જડેશ્વર દાદાનો વરઘોડો નીકળે છે. તેમ જ તે જ દિવસે લોકમેળાનું આયોજન કરાય છે. જેમાં વાંકાનેર, મોરબી, રાજકોટ, ટંકારા, પડધરી,વગેરે શહેરો,ગામડાંઓ તેમ જ સૌરાષ્ટ્રભરમાંથી શ્રદ્ધાળુઓ ઊમટી પડે છે અને મેળાની રંગત ઓર જામે છે.
જડેશ્વર દાદાના ધામમાં મોટા પ્રમાણમાં રહેવાની વ્યવસ્થા હોવાથી અનેક બ્રાહ્મણો સમગ્ર શ્રાવણ માસ અહીં રહીને જડેશ્વર દાદાની પૂજા માટે સમય ગાળે છે.
અનેક શ્રદ્ધાળુઓ અહીં લઘુરુદ્ર કરાવે છે. રાત્રે ભગવાનની આરતી થાય ત્યારે આરતીના ઝાલરના રણકારે જંગલમાં મંગલનું વાતાવરણ સર્જાય છે,બાજુમાં થોડ દૂર ચાલીએ ત્યાં નાના જડેશ્વરની જગ્યા આવેલી છે,ત્યાં બ્રાહ્મણો વાસ કરી દાદાની પૂજા આરાધના કરે છે. દરરોજ કોઈ ને કોઈ દાતા દ્વારા ભંડારાનું આયોજન થાય છે અને પ્રસાદમાં શુદ્ધ ઘીના લાડું પીરસાય છે.જડેશ્વર મહાદેવ અને નાના જડેશ્વર મહાદેવની જગ્યાનું આ રમણીય સ્થળ કાશ્મીરનો ભાસ કરાવે છે.જડેશ્વરનું મંદિર પાંડવોના રથ જેવા આકારનું છે. જે તેની ભવ્યતાની અને પ્રાચીનતાની ઝાંખી કરાવે છે.

No comments:
Post a Comment